હું શોધું છું

હોમ  |

કાર્યો કરવા માટેના નિયમો/વિનિયમો/સૂચનાઓ/નિયમસંગ્રહ
Rating :  Star Star Star Star Star   

કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમ સંગ્રહ અને દફતરો:-

નાગરિક સંરક્ષણ દળ :-

ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી આવેલ દરખાસ્તના તમામ પાસાઓને આવરી લઇ સમીક્ષા કર્યા બાદ નાગરિક સંરક્ષણનું વર્ગીકૃત શહેર જાહેર કરવા માટે નિર્ણય લઇ ઠરાવ બહાર પાડવામાં આવે છે.

નાગરિક સંરક્ષણ દળમાં ભરતી થવા માટેના ધોરણ :-

•       નાગરિક સંરક્ષણમાં પુરૂષ તથા સ્ત્રી ભરતી થઇ શકે છે.

•          તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઇએ.

•          તે વ્યક્તિએ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરેલ હોવી જોઇએ. પરંતુ સત્તા ધરાવતા અધિકારીના સ્વ-વિવેકાનુસાર નાગરિક સંરક્ષણ તંત્રની કોઇ શાખા અથવા વર્ગ માટે આ વય મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ સુધી છુટછાટ આપી શકે.

•          ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ હોવો જોઇએ.

•          શારીરીક/માનસિક રીતે સ્વસ્થ હોવો જોઇએ.

ઉપર જણાવેલ લાયકાત ધરાવનારને નાગરિક સંરક્ષણ દળમાં ભરતી થવા માટે સૌ પ્રથમ બેઝીક તાલીમ મેળવવાની રહે છે, આ તાલીમમાં ઉર્તીણ થનાર તાલીમાર્થીને નાગરિક સંરક્ષણનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને નીચે દર્શાવ્યા  મુજબની નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ પૈકી પસંદગી ધરાવતી કોઇ એક સેવામાં નિમણુંક આપવા માટે નિયત નમુના (ક) ફોર્મ ભરાવી, પોલીસ વેરીફીકેશન બાદ પસંદગીની સેવામાં નિમણુંક આપવામાં આવે છે.

 

નાગરિક સંરક્ષણની (૧૨) બાર સેવાઓ :-

૧      મુખ્ય મથક સેવા (હેડ કવાર્ટર સેવા)

૨      અગ્નિશામક સેવા (ફાયર ફાયટીંગ સેવા)

૩      આકસ્મિક સેવા (કેજયુલીટી સેવા)

૪      સંદેશાવાહક સેવા (કોમ્યુનીકેશન સેવા)

૫      બચાવ સેવા (રેસ્કયુ સેવા)

૬      કલ્યાણ સેવા (વેલ્ફેર સેવા)

૭      ડેપો તથા વાહન વ્યવહાર સેવા (ડેપો એન્ડ ટ્રાન્સપોર્ટ સેવા)

૮      મિલકત બચાવ સેવા (સાલ્વેજ સેવા)

૯      નિકાલ સેવા (ક્રોપ્સ ડિસ્પોઝલ સેવા)

૧૦     પુરવઠા સેવા (સપ્લાય સેવા)

૧૧     વોર્ડન સેવા

૧૨     તાલીમ સેવા

 

નાગરિક સંરક્ષણમાં નિમણુંક મેળવનાર સ્વયંસેવકોને તેમની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઇ નીચે મુજબ તબકકાવાર બઢતી આપવામાં આવે છે :-

•          સેકટર વોર્ડન

•          પોસ્ટ વોર્ડન

•          ડેપ્યુટી ડીવીઝન વોર્ડન

•          ડિવીઝન વોર્ડન

•          ડેપ્યુટી ચીફ વોર્ડન

•          ચીફ વોર્ડન

 

આ તબકકાવાર બઢતી આપવા માટે કોઇ વિશિષ્ટ નિયમોની જોગવાઇ ભારત સરકાર/રાજય સરકાર તરફથી કરવામાં આવેલ નથી, પરંતુ કન્ટ્રોલરશ્રી કાર્યદક્ષતા ધ્યાને લઇ વિવેક બુધ્ધિ અનુસાર આ બઢતી આપી શકે છે.

 

નાગરિક સંરક્ષણની બાર સેવાઓ :-

 

(૧)  મુખ્ય મથક સેવા :- (હેડ કવાર્ટસ સેવા)

આ સેવા માટે મોટા શહેરમાં એક પુરા સમયના નિયંત્રક હોય છે. તેમના તાબા હેઠળ અધિકારી, કારકુન વગેરેની નિમણુંક સરકાર દ્વારા કરેલ હોય છે. નિયંત્રકની ફરજ નાગરિક સંરક્ષણ તંત્ર અંગેના આયોજન, વહીવટ, સંકલન તથા આવશ્યક સેવામાં સ્વંયસેવકોની નિમણુંક આપવી વગેરે હોય છે. કેટેગરાઇઝડ શહેરોમાં જિલ્લા મેજીસ્ટ્રેટ “નિયંત્રક, નાગરિક સંરક્ષણ” તરીકે ફરજ બજાવે છે.

 

 

(૨)  અગ્નિશામક સેવા :- (ફાયર ફાઇટીંગ સેવા)

નાગરિક સંરક્ષણ યુનિટ વિસ્તારના શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ ખાતુ આ કામગીરી કરે છે. આ અગ્નિશામક સેવાના ઓફીસર કમાન્ડીંગ ચીફ ફાયર ઓફીસર (ફાયર) હોય છે. આ સેવાના સ્વયંસેવકો અગ્નિશામક ટુકડીઓનું કામ કરે છે. તેઓ દુશ્મનોએ નાખેલા બોંબથી શરૂ થયેલી આગને શોધીને બુઝાવવાનું તથા નાગરિકોના જાનમાલને થતાં નુકશાનને અટકાવવાનું કામ કરે છે.

 

 (3) આકસ્મિક સેવા :- (કેજયુલીટી સેવા)

આ સેવાના ઓફીસર કમાન્ડીંગ સીવીલ હોસ્પીટલના સીવીલ સર્જન હોય છે. તેઓ આ સેવાનું સંચાલન કરે છે.  અકસ્માતનો ભોગ બનેલાઓને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી ટુંકા અંતરના સ્થળે પહોંચાડવાનું અને ગંભીર રીતે ઘવાયેલાઓને વધુ સારવાર માટે રવાના કરવાનું કામ કરે છે.

 

 (૪) સંદેશાવાહક સેવા :- (કોમ્યુનીકેશન સેવા)

આ સેવાના વડા ટેલીફોન ખાતાના એન્જીનીયર હોય છે. હવાઇ હુમલાથી થયેલ નુકશાનની માહિતી મુખ્ય કન્ટ્રોલ મથક ઉપર સ્વીકારવાનું, માહિતી ઉપરથી જરૂરીયાત મુજબ સેવાઓ પહોંચાડવા સંદેશા મોકલવાનું મુખ્ય કન્ટ્રોલ મથક પરથી સબ કન્ટ્રોલ મથકો, વોર્ડન પોસ્ટો, સહ સેવા મથકો પર સંદેશાઓ દુરવાણી કે સંદેશાવાહકો દ્વારા મોકલવાનું કામ કરે છે. આમ તાકીદે ઝડપથી આવતી માહિતી પરથી વર્ગીકરણ કરી જે તે સ્થળો ઉપર જરૂરી સેવાઓ પહોંચાડવામાં કાર્યરત રહે છે અને પોતાની કાર્યદક્ષતાથી જાનમાલની હાની અટકાવે છે.

 

(૫)  બચાવ સેવા :- (રેસ્કયુ સેવા)

આ સેવાના વડા ઓફીસર કમાન્ડીંગ તરીકે કાર્યપાલક ઇજનેરએ ફરજો બજાવવાની છે. આ સેવાનું કામ હુમલા વખતે હુમલાનો ભોગ બનેલા નાગરિકોને નુકશાન પામેલા મકાનોમાંથી બચાવી બહાર કાઢવા, મૃત્યુ પામેલાઓને પણ બહાર કાઢવાનું, નુકશાન પામેલા મકાનને હંગામી ટેકા કરવાનું કે તોડી પાડવાનું તથા આશ્રય કેન્દ્રો ઉભા કરવાનું હોય છે.

 

 (૬)  કલ્યાણ સેવા :- (વેલફેર સેવા)

આ સેવાના ઓફીસર કમાન્ડીંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, નાયબ માહિતી નિયામકએ ફરજો બજાવવાની છે. આ સેવાનું કામ ઘાયલ થયેલ અને મરણ પામેલાઓની સઘળી માહિતી તેમના સગા સંબંધીઓને આપવાનું, હુમલાના ભોગ બનેલા નાગરિકોને આરામ ગૃહોમાં ખસેડી તેમને જરૂરી ખોરાક, પાણી, કપડા વગેરે આપવાનું અને જરૂરી અને ભયજનક જણાય ત્યાંથી નાગરિકોને અન્ય સુરક્ષીત કે હુમલાનો ભય ન હોય તેવા સ્થળોએ સ્થળાંતર કરવાનું કાર્ય કરે છે.

 

(૭) ડેપો અને વાહન વ્યવહાર સેવા :- (ડેપો એન્ડ ટ્રાન્સપોર્ટ સેવા)

આ સેવાના ઓફીસર કમાન્ડીંગ રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસર, આર.ટી.ઓ. એ બજાવવાની છે. આ સેવાનું કામ તેના મથકો પરથી જરૂરી સેવાઓ, આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સુરક્ષિત સ્થળે તાકીદે પહોંચાડવાનું છે. તેમના મથકો ઉપર જરૂરી સેવાઓ ઉપલબ્ધ હોય છે અને જરૂરીયાત ઉભી થાય ત્યારે વરિષ્ઠ અધિકારી જરૂરી વાહનો ભાડે સ્વેચ્છાથી કે હુકમથી મંગાવી શકે છે. તે તમામ વાહનોની દેખરેખ, સારસંભાળ રાખવા, વાહન ચાલકોને તાલીમ, પેટ્રોલ પુરવણી, વાહનોની ઝડપી મરામત વગેરેનું  આયોજન કરવાનું હોય છે.

 

(૮) મિલ્કત બચાવ સેવા :- (સાલ્વેજ સેવા)

આ સેવાના ઓફીસર કમાન્ડીંગ ડેપ્યુટી કલેકટર, પ્રાંત અધિકારીએ ફરજ બજાવવાની છે. યુધ્ધના સમય દરમ્યાન મિલ્કતોને બચાવવી તેમજ નુકશાન થયેલ મિલ્કતોની મરામત કરવી, નવા રાહત કેંન્દ્રો  ઉભા કરવા, તેમજ મિલ્કતનું રક્ષણ કરવાની કામગીરી આ સેવાના સભ્યો કરે છે.

 

 (૯) નિકાલ સેવા :- (ક્રોપ્સ ડીસ્પોઝલ સેવા)

આ સેવાના ઓફીસર કમાન્ડીંગ એનીમલ હસબન્ડ્રી ઓફીસરે ફરજ બજાવવાની હોય છે. દુશ્મન હુમલાથી મરણ પામેલા નાગરિકો તથા પ્રાણીઓના શબો કે તેના આમ તેમ વિખરાયેલા ભાગોને એકઠા કરવાનું, ઓળખવાનું અને  તેમનો નિકાલ કરવામાં આવે તે પહેલા પોલીસ અને આરોગ્ય મેડીકલ સત્તાઓ સમક્ષ લઇ જવાનું તથા તે શબોનો અંતિમ નિકાલ કરવાનું હોય છે.

 

 (૧૦) પુરવઠા સેવા :- (સપ્લાય સેવા)

આ સેવાના કમાન્ડિંગ ઓફિસર જિલ્લા પુરવઠા અધિકારીએ ફરજ બજાવવાની હોય છે. આ સેવાની મુખ્ય ફરજોમાં સિવિલ ડિફેન્સ પ્લાન મુજબ જરૂરી સાધનસામગ્રી ખરીદી, તેને યોગ્ય સમયે ઉપયોગી બને તે પ્રમાણે રાખવાની તેમજ યોગ્ય સમયે તેના વિતરણ માટે જરૂરી આયોજન કરવાનું હોય છે. આ સામગ્રીમાં આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા સાધનો જેવાં કે સ્ટીલ હેલ્મેટ, અગ્નિશામક સાધનો, રેસ્ક્યુના સાધનો, મેડિકલ પુરવઠો, વાહનો, ઇમરજન્સીના સમયે પૂરતું અનાજ, કપડા, પાણી, પેટ્રોલ વગેરે કચેરીમાં જરૂરી સાધનસામગ્રી હોય છે. આ સેવામાં બે લાખની વસ્તીદીઠ પુરવઠા અધિકારી-૧, સ્ટોર ક્લાર્ક-ર, એટેન્ડન્ટ્સ-ર, વોચમેન-૧ મળી કુલ છ સભ્યો હોય છે. આ ઉપરાંત આ સેવાની મુખ્ય ફરજમાં યુદ્ધના સમયે જરૂરી આવશ્યક વસ્તુનો પુરવઠો જેવો કે ખોરાક, કેરોસીન, પેટ્રોલ, રોજિંદી જરૂરિયાતનાં સાધનો લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે અને લોકો પરેશાન ન થાય તે જોવાની તમામ કામગીરી આ સેવાના સભ્યો કરે છે.

 

(૧૧)    વોર્ડન સેવા :-

આ સેવાના વડા તરીકે માનદ પદાધિકારી ચીફ વોર્ડન છે. જે નાગરિક સંરક્ષણના માનદ પદાધિકારી છે. વોર્ડન સેવા નાગરિક સંરક્ષણની કરોડરજ્જુ સમાન અને અગત્યની સેવા છે. આ સેવાથી હવાઈ હુમલા દરમિયાન ઓછામાં ઓછું નુકસાન થાય, લોકોની નૈતિક હિમંત અને જુસ્સો જળવાઈ રહે, શાંતિના સમયે કુદરતી કે અકુદરતી આફતોમાં પ્રજાજનોને તાત્કાલિક મદદ પહોંચાડવાનો અને સામાન્ય જનજીવન પૂર્વવત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સેવામાં પાયાના કાર્યકર તરીકે માનદ પદાધિકારીઓનુ સંગઠન/દળ કેટેગરાઇઝડ ટાઉન વિસ્તારોમાં વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.

 

•          જીપીસીડી ૨૦૦૩ મુજબ વોર્ડન સેવાનું માળખું        (ર લાખની વસ્તીના ડિવિઝન દીઠ)

•          ચીફ વોર્ડન                                            (ટાઉન દીઠ એક)

•          ડેપ્યુટી ચીફ વોર્ડન

•          ડિવિઝનલ વોર્ડન                                      (ર લાખની વસ્તીદીઠ ૧)

•          સ્ટાફ ઓફિસર                                         (ર લાખની વસ્તીદીઠ-ર)

•          ડેપ્યુટી ડિવિઝન વોર્ડન                                (ર લાખની વસ્તીદીઠ-૧)

•          પોસ્ટ વોર્ડન                                            (ર0,000ની વસ્તીદીઠ-૧)

•          ડેપ્યુટી પોસ્ટ વોર્ડન                                    (ર0,000ની વસ્તીદીઠ-૧)

•          સેક્ટર વોર્ડન                                           (ર,000ની વસ્તીદીઠ-૧)

•          ક્લાર્ક (પગારદાર)                                     (ર લાખની વસ્તીદીઠ ૧)

•          મેસેન્જર (પગારદાર)                                  (ર લાખની વસ્તીદીઠ ૧)

 

વોર્ડનની ફરજો :-

વોર્ડન સેવાના મુખ્ય અંગ એટલે કે વોર્ડન પોતાના વિસ્તારના લોકોના મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છે. ઉપરાંત નાગરિક સંરક્ષણની આંખ અને કાન છે. વોર્ડન પોતાના વિસ્તારના લોકોને નાગરિક સંરક્ષણ સંબંધી વિવિધ મુદ્દાઓ પ્રત્યે સલાહસૂચન કરશે ઉપરાંત હવાઈ હુમલા સમયે પ્રજાજનોને મદદરૂપ બનશે. વોર્ડનની હવાઈ હુમલા પહેલાંની ફરજ જેમાં વોર્ડન પોલીસ વિભાગની માહિતીથી જાણકાર, માણસોની ઓળખાણ, ધરાવતા હાઉસ હોલ્ડ રજિસ્ટર તૈયાર કરવુ. નાગરિક સંરક્ષણ સંબંધી સ્થાનો જેવાં કે ડેપો, જાહેર, આશ્રય સ્થાનો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, પોલીસ સ્ટેશન વગેરેથી માહિતગાર કરશે. હવાઈ હુમલા સંબંધે સલાહ ગૃહ આશ્રમનું બાંધકામ તથા ઉપયોગ અને અંધારપટ અંગે લોકોને માર્ગદશર્ન અપાશે. નાગરિક સંરક્ષણ સત્તાવાળાઓ તરફથી વખતોવખતની સૂચના અંગે લોકોને સમજણ આપી તથા અગત્યની ફરજમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભરતી કરવામાં મદદ કરવાની છે.

 

હવાઈ હુમલા વખતની ફરજ :-

જેમાં હવાઇ હુમલાની ચેતવણી મળ્યા પછી વોર્ડન પોસ્ટમાં હાજર થશે. બાદ જરૂરી સાધનો દ્વારા શેરીઓમાં ફરતા લોકોને આશ્રય સ્થાનમાં આશ્રય લેવા સલાહ અપાશે. સાયરનો ન સાંભળી શકાય તે વિભાગમાં વ્હીસલ દ્વારા ચેતવણી આપશે તથા અંધારપટના પાલન બાબતે ચોકસાઈ રાખશે. નુકસાનીનો અંદાજ કન્ટ્રોલ અથવા સબ કન્ટ્રોલ ખાતે નિયત સમયમાં સંદેશા પહોચાડવા નાની આગ ઠારવાની પ્રાથમિક સારવાર કરવાની, દટાઈ ગયેલા લોકોને બચાવવા, ફૂટ્યા વિનાના બોમ્બ શોધી પોલીસ તથા સિવિલ ડિફેન્સ કંટ્રોલ, સબ કંટ્રોલને જાણ કરવાની તેમજ વિવિધ સેવાઓ અને પ્રજાજનો વચ્ચે કડીરૂપ બનવાની તેમની ફરજ છે.

 

હવાઇ હુમલા પછીની ફરજ :-

જેમાં વોર્ડન ઘરબાર વિહોણા લોકોને નાગરિક સંરક્ષણ વિવિધ સુવિધાઓની માહિતી આપી અને આયોજનથી માહિતગાર કરવા તથા નુકસાન સંબંધી વિગતવાર રિપોર્ટ તૈયાર કરવો અને વિવિધ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવાની તેમની ફરજ છે.

વોર્ડન સારું વ્યક્તિત્વ, હિંમતબાજ, બીજા ઉપર વગ વાપરી શકે, પોતાના વિસ્તારનું જ્ઞાન, નાગરિક સંરક્ષણ સંબંધી પૂરતી માહિતી ધરાવતો અને લોકો તથા નાગરિક સંરક્ષણ વચ્ચે કડીરૂપ બની શકે તેવો સક્ષમ હોવો જોઈએ.

દરેક ડીવીઝનમાં માનદ સેવા આપવા નીચે મુજબ માનદ મહેકમની જોગવાઇ ભારત સરકારે નકકી કરેલ છે.

(૧)    ડીવીઝનલ વોર્ડન      :       ૨ લાખ વસ્તી દીઠ એક

(૨)    ડે.ડીવી. વોર્ડન         :       ૨ લાખ વસ્તી દીઠ એક

(3)     સ્ટાફ ઓફીસર         :       ચીફ વોર્ડન/ ડીવીઝનલ વોર્ડન દીઠ એક

(૪)    કારકુન                 :       સ્ટાફ ઓફીસર દીઠ એક

(૫)    પોસ્ટ વોર્ડન            :       ૨૦ હજારની વસ્તી ધરાવતા પાંચ સેકટર દીઠ એક

(૬)    સેકટર વોર્ડન          :       ર હજારની વસ્તી ધરાવતા સેકટર દીઠ એક

(૭)    મેસેન્જર               :       વોર્ડન પોસ્ટ દીઠ બે

 

(૧૨)    તાલીમ સેવા :-

        નાગરિક સંરક્ષણની અન્ય સેવા અસરકારક રીતે અમલમાં મૂકવા દરેક સેવાના કમાન્ડિંગ ઓફિસરને વ્યક્તિગત રીતે તાલીમબધ્ધ કરી અને જરૂરી શિસ્ત કેળવવાથી જ નાગરિક સંરક્ષણ પ્રવૃત્તિને અસરકારક બનાવી શકીશું. જે માટે તાલીમ એ મહત્વનું અંગ છે. આમ તાલીમ સેવા એ નાગરિક સંરક્ષણની વોર્ડન સેવા બાદની અગત્યની સેવા છે. જેના કમાન્ડિંગ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી  કેટેગરાઇઝડ સિવિલ ડિફેન્સ ટાઉનોમાં ફરજ માટે નિમણૂક કરવામાં આવે છે. આ સેવાના તાલીમ ગણમાં  સૌપ્રથમ ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર (પોલીસ ઇન્સ્પેક્ટર) વર્ગ-રના સરકારી અધિકારી પૂર્ણકાલીન કક્ષાના પગારદાર હોય છે. જ્યારે અંશકાલીન સમય માટે નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એકેડેમી, નાગપુર ખાતેથી તાલીમબદ્વ માનદ પદાધિકારોની નિમણુંક કરવામાં આવે છે. સ્થાનિક ટાઉનોમાં સિવિલ ડિફેન્સ પ્રાથમિક તાલીમ વગેરેના આયોજન તરીકે પ્રજાજનોને નાગરિક સંરક્ષણ સંબંધી પ્રાથમિક તાલીમ આપવી, સેવાવાર નિમણૂંકની કામગીરી કરવામાં આવે છે. તાલીમબધ્ધ માનદ સ્વયંસેવકો એ રીતે નાગરિક સંરક્ષણ પ્લાન મુજબ જુદી જુદી આપત્તિઓમાં વિવિધ માનદ સેવાઓ આપી પ્રજાને સહાયભૂત બને છે.

નાગરિક સંરક્ષણ પ્રાથમિક તાલીમ બાદ સ્પેશ્યલાઇઝડ પ્રકારની તાલીમ અર્થે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે રાજ્ય સ્તરના માનદ પદાધિકારી તથા ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટરોને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યસ્તરેથી નાગરિક સંરક્ષણના ખાસ પ્રકારના વિવિધ કોર્સોની તાલીમ પસંદગી પામેલા માનદ પદાધિકારી/અધિકારી/ કર્મચારીને રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એકેડેમી, નાગપુર તથા ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે પણ નાગરિક સંરક્ષણ તાલીમ અર્થે મોકલવામાં આવે છે.

 

નાગરિક સંરક્ષણ (તાલીમ) અંગેની જરૂરી માહિતી :-

•          નાગરિક સંરક્ષણ દળમાં ભરતી થવા માટે સંબંધિત જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ અથવા નાયબ નિયંત્રક અથવા પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર)નો સંપર્ક કરી તાલીમ-ભરતી પામી શકાય.

•          આ માનદ સેવા છે, જેથી કોઈ પણ પ્રકારનું વેતન મળવા પાત્ર નથી. પરંતુ કટોકટીના સમયે ફરજ સોંપવામાં આવે ત્યારે રૂપિયા ૧૫૦/-નું માનદ વેતન આપવામાં આવે છે.

•          જે વ્યક્તિ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તે નાગરિક સંરક્ષણમાં નિમણૂક માટે ગેરલાયક ઠરે છે.

•          નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ કેટેગરાઇઝડ ટાઉનમાં ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર (પોલીસ ઇન્સ્પેક્ટર)  દ્વારા આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક વર્ગોનું આયોજન કરી તાલીમ બાદ તાલીમાર્થીઓની નિપુણતા કસોટી લેવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીને નાગરિક સંરક્ષણનું પ્રમાણપત્ર આપી લાયકાત અને રૂચી મુજબ સેવાવાર નિમણૂંક આપવામાં આવે છે.

 

 

ગૃહ વિભાગ

(ખાસ)

જાહેનામું

સચિવાલય, અમદાવાદ, ૨૧ મી ઓગષ્ટ ૧૯૬૮.

 

નંબર સીએચજી/૧૪૪3/એસબી-૨સીડીએમ/૫૯૬૭/૧૮3૫ ભારત સરકારના ગૃહમંત્રાલયનું નીચેનું જાહેરનામું સર્વ લોકોની જાણ સારૂ પુન: પસિધ્ધ કરવામાં આવે છે.:

 

ગૃહ મંત્રાલય

જાહેરનામું

નવી દિલ્હી, ૧૦ મી જુલાઇ, ૧૯૬૮

નાગરિક સંરક્ષણ વિનિયમો, ૧૯૬૮

 

જી.એસ.આર. ૧૨૭૮/નાગરિક સંરક્ષણ અધિનિયમ, ૧૯૬૮ (૧૯૬૮ ના ૨૭ મા) ની કલમ-૯ થી મળેલી સત્તાની રૂએ, કેન્દ્ર સરકાર આથી નીચેના વિનિયમો ઘડે છે:-

 

(૧)    ટૂંકી સંજ્ઞા :- આ વિનિયમો (નાગરિક સંરક્ષણ વિનિયમો, ૧૯૬૮) કહેવાશે.

(૨)    વ્યાખ્યા :-

(ક)     નિયંત્રક એટલે નાગરિક સંરક્ષણ અધિનિયમ, ૧૯૬૮ (૧૯૬૮ ના ૨૭ મો) ની કલમ ૪ની પેટા કલમ (૧) મુજબ નાગરિક સંરક્ષણ દળને (Crops) આદેશ આપવા નિમાયેલી વ્યકિત.

(ખ)    સત્તા ધરાવતા અધિકારી એટલે રાજય સરકાર, અથવા રાજય સરકારે આ વિનિયમો કોઇ જોગવાઇ મુજબ સત્તા ધરાવતા અધિકારી બીજી સત્તા વાપરવા માટે નીમેલી કોઇ વ્યકિત.

(ગ)  ફોર્મ એટલે આ વિનિયમોની સાથે જોડેલું ફોર્મ.

(ઘ)  દળ એટલે નગર અથવા જિલ્લા અથવા કોઇ પણ વિસ્તારનું નાગરિક સંરક્ષણ દળ.

(3)     પાત્રતા :-

    (૧)  નાગરિક સંરક્ષણ દળમાં નિમણુંક મેળવવા અરજી કરવા ઇચ્છતી વ્યકિતએ નીચેની શરતોનું પાલન કરવું જોઇએ.

(ક)     તે ભારતના નાગરિક અથવા સિકિકમ અથવા ભૂતાન અથવા નેપાળનો પ્રજાજન હોવો જોઇએ.

(ખ)    તેણે ૧૮ વર્ષ ની ઉમર પૂરી કરેલ હોવી જોઇએ. પરંતુ સત્તા ધરાવતા અધિકારી સ્વવિવેકાનુસાર એ દળની કોઇ શાખા અથવા વર્ગ માટે આ વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી છુટછાટ આપી શકશે.

(ગ)    તેણે ઓછામાં ઓછું પ્રાથમિક ધોરણ એટલે કે ચોથું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ અને આ શરત નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોતાના સ્વવિવેકાનુસાર હળવી કરી શકશે.

    (૨)   પુરૂષો અને સ્ત્રીઓ એ બંને દળમાં નિમાવા માટે પાત્ર ગણાશે.

    (3)   શારીરિક રીતે યોગ્ય અને માનસિક રીતે સ્વસ્થ વ્યકિત જ દળમાં નિમાવા માટે હકકદાર રહેશે.

-  રાષ્ટ્રીય સ્વયંસેવક દળ (National Volunteer Force) અને સંધના સશસ્ત્ર દળમાંની કોઇ સેવા ખાસ લાયકાત તરીકે ગણાશે.

(૪)    અરજી કરવાની રીત :-

•          વિનિયમ ત્રણ મુજબ નિમણુંક માટે પાત્ર હોય તેવી વ્યકિતએ ફોર્મ (ક) માં અરજી કરવાની રહેશે અને સત્તા ધરાવતા અધિકારી સમક્ષ રૂબરૂ મુલાકાત માટે પણ જાતે હાજર રહેવું પડશે.

•          દરેક ઉમેદવારે જરૂર પડે ત્યારે તાલીમ અને ફરજ માટે તેની સેવા ફાળવવાની કબૂલાત આપતું તેના નિયોકતાનું પમાણપત્ર રજુ કરવું પડશે.

•          નિયંત્રક ઉમેદવારોની પસંદગી કરવામાં પોતાને સલાહ આપવા માટે એક પસંદગી સમિતિ રચી શકશે. જેમાં નિયામક નકકી કરે એને નીમે તેટલી સંખ્યાના સભ્યોને અને તેવી વ્યકિતઓનો સમાવેશ થશે.

•          તમામ ઉમેદવારોએ સત્તા ધરાવતા અધિકારીએ ઠરાવેલી તાલીમ લેવી પડશે. અને તેવી પરીક્ષા પાસ કરવી પડશે.

(૫)    નામ નોંધણી કરવા બાબત. :-

•          નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હુકમ ધ્વારા નકકી કરે તે રીતે દળમાં નિમણુંક માટે સ્વીકારવામાં આવેલી ઉમેદવારની સભ્ય પદ માટેની નોંધણી વિધિસર કરવાની રહેશે અને નિયંત્રણ હુકમ દ્વારા નીમે તેવા અધિકારી સમક્ષ ફોર્મ ખ પ્રમાણે તેણે સોગંદ અથવા પ્રતિજ્ઞા લેવી પડશે.

•          નીચે જણાવેલા દળ અથવા સેવામાંના સભ્યો સામાન્ય રીતે નાગરિક સંરક્ષણ દળમાં નામ દાખલ કરવા માટે પાત્ર ગણાતા નથી.

•          સંઘના સશસ્ત્ર દળ.

•          પોલીસ દળ.

•          અગ્નિ સેવા.

•          પ્રાદેશિક સેના અથવા સંરક્ષણ સેવાઓ પૈકીની કોઇ પણ સેવાનું સહાયક દળ.

•          સંઘના સશસ્ત્ર દળના સંબંધમાં નોકરીએ રાખેલા મુલ્કી કર્મચારી વર્ગ.

•          સંસ્થાના વડાઓએ અથવા સંબંધીત સેવાઓએ જે સરકારી નોકરોને પૂર્ણકાલિન અથવા અંશકાલીન નાગરિક સંરક્ષણ ફરજો બજાવવા માટે ખાસ પ્રતિનિયૂકીત પર મોકલ્યા હોય, તેમને આ વિનિયમ લાગુ પડશે નહી.

(૬)    સંસ્થા :-

•          નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને પોતાને જરૂરી અને યોગ્ય લાગે તેટલી વ્યકિતઓના બનેલા વિભાગોમાં દળના ભાગ પાડી શકશે અને એવા દરેક વિભાગને આદેશ કરવા માટે એક વ્યકિત (જેને આમાં હવે પછી ઇન્ચાર્જ અધિકારી કહયો છે તે) ને નીમી શકશે.

•          ઇન્ચાર્જ અધિકારીની ફરજો, નિયંત્રક હુકમ ધ્વારા વખતો વખત ઠરાવે તેવી રહેશે.

•          નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કોઇ ઇન્ચાર્જ અધિકારીને મદદ કરવા માટે એક ડેપ્યુટી નીમી શકશે.

•          નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સત્તા ધરાવતા અધિકારી આ અર્થે વખતો વખત બહાર પાડે તેવા સામાન્ય અથવા ખાસ હુકમોને આધીન રહીને સેવાની દેખરેખ રાખવા માટે જરૂરી બીજો બધો સ્ટાફ નીમશે અને નિમણુંક કરવાની એવી સત્તા કોઇ ઇન્ચાર્જ અધિકારીને સોંપી શકશે.

(૭)    સભ્યપદનું પમાણપત્ર :-

દળના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યકિતને નમૂના “ગ “મુજબ સભ્યપદનું પ્રમાણપત્ર આપવામાં આવશે. પોતાનું પ્રમાણપત્ર ગુમાવનાર વ્યકિત તરત જ તે ખોવાયાનો રિપોર્ટ તેની તરતના ઉપરી અધિકારીને કરશે જેઓ જરૂરી તપાસ કરશે અને પોતાને ખાતરી થયા પછી પ્રમાણપત્ર ની બીજી નકલ કાઢી આપવાની વ્યવસ્થા કરી શકશે.

(૮)    નોકરીની શરતો :-

•          દળના સભ્યો સામાન્ય રીતે સ્વેચ્છાપૂર્વક અને માનદ હેસિયતથી કામ કરશે. પરંતુ દળના સભ્યને ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે તેને રાજય સરકાર હુકમ કરીને (કેન્દ્ર સરકારની સાથે વિચાર વિનિયમ કરીને વખતો વખત ઠરાવે તેવા ધોરણે) ફરજ ભથ્થાની ચુકવણી અધિકૃત કરી શકાશે.

•          ખંડ (૧)માં કોઇ પણ મજકૂર હોય તે છતાં કેન્દ્ર સરકાર, કોઇ નિમણુકને અથવા નિમણુકના વર્ગને પગારદાર નિમણુકો તરીકે જાહેર કરી શકશે પગારના ધોરણે નિમાયેલી કોઇ વ્યકિત પગાર, રજા અને બીજા લાભો સંબંધમાં રાજય સરકાર હુકમ ધ્વારા ઠરાવે તેવી નોકરીની શરતો માટે હકદાર થશે.

(૯)    ફરજ :-

દળના સભ્યોને નીચેના હેતુઓ માટે ફરજ ઉપર બોલાવી શકશે:-

•          તાલીમ માટે.

•          પ્રેકટીસ અથવા કવાયતો માટે.

•          દુશ્મનોના હુમલા સામે, જાનમાલનું રક્ષણ કરવા માટે આ વિનિયમો અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા અન્વયે હુકમ ધ્વારા તેમને સોંપેલી ફરજો બજાવવા માટે.

(૧૦)   શિસ્ત :-

•          તાલીમ લેતી વખતે અથવા ફરજ ઉપર હોય ત્યારે દળના કોઇ પણ સભ્યે ઇન્ચાર્જ અધિકારીની અથવા બીજા ઉપરી અધિકારીની ખાસ પરવાનગી લીધા સિવાય કોઇ પણ વ્યાખ્યાન, પ્રેક્ટીસ અથવા કવાયત અથવા બીજા કોઇ તાલીમી અભ્યાસ ક્રમમાં પોતે ગેરહાજર રહેવું નહી.

•          દળના દરેક સભ્યે નીચેના વિનિયમોનું પાલન કરવું પડશે.

•          તેણે તેના કાયમી સરનામું અથવા રોજગારના સ્થળમાં કોઇ ફેરફાર થયો હોય તો તેની ઇન્ચાર્જ અધિકારી ધ્વારા નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ને જાણ કરવી.

•          નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ની પરવાનગી લીધા સિવાય નાગરિક સંરક્ષણ દળ હેઠળ તેની ફરજો સાથે સંકળાવેલી કોઇ બાબત સંબંધમાં તેણે પ્રેસ અથવા કોઇ રાજકીય સંગઠન અથવા સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો નહી.

•          દળના સભ્ય તરીકેની તેની સેવા દરમિયાન તેના અધિકાર અથવા જાણમાં આવતાં તમામ અહેવાલો (અથવા તેની નકલો) તે ચુસ્તપણે ખાનગી ગણશે.

(૧૧)   ગણવેશ અને શસ્ત્ર સરંજામ :-

•          દળના સભ્યે તે ફરજ ઉપર હોય ત્યારે નિયંત્રક ઠરાવે તેવો ગણવેશ પહેરવાનો રહેશે અને તેવા દરજજાનો બિલ્લો અથવા વિશેષ ચિહ્ન ધારણ કરવાનું રહેશે અને એવો શસ્ત્ર સરંજામ લઇ જવાનો રહેશે. એવો ગણવેશ અથવા વિશેષ ચિહ્ન અને શસ્ત્ર સંરજામનો ખર્ચ રાજય સરકાર ભોગવશે. તે ઉપરાંત જેને ગણવેશ આપવામાં આવે તે દરેક સભ્યને રાજય સરકાર, કેન્દ્ર સરકાર સાથે વિચાર વિનિયમ કરીને વખતો વખત ઠરાવે તેવા દરે ધોલાઇ ભથ્થું અપાશે.

•          તેની સેવા સમાપ્ત થયેથી તેણે ઇન્ચાર્જ અધિકારીને તેના સભ્યપદનું પ્રમાણપત્ર અને તેને મળેલ ગણવેશ તથા સરંજામ તરતજ પાછા આપવા જોઇએ અને પાછી આપેલી વસ્તુઓની પહોંચ મેળવવી જોઇએ. કોઇ સભ્ય તેને આપેલી કોઇ વસ્તુ પરત ન કરે તો નિયત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેનો ખર્ચ આકારવો અને તેની પાસેથી વસૂલ કરવો.

(૧૨)   વળતર :-

દળના કોઇ સભ્યને ફરજ ઉપર હોય ત્યારે તેના શરીર કે મિલકતને કાંઇ નુકશાન થાય તો તેને સત્તા ધરાવતા અધિકારી નકકી કરે તેટલું વળતર આપવામાં આવશે. પરંતુ નાગરિક સંરક્ષણ અધિનિયમ ૧૯૬૮ અથવા તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ પૈકી કોઇ જોગવાઇનું અથવા તેના ઉપરી અધિકારીએ કરેલા હુકમો અથવા ફરમાનોનું ઉલ્લંધન કરીને પોતાની બેદરકારીથી અથવા જાણી જોઇને કરેલા કૃત્યથી અથવા ચૂકથી એવું નુકશાન થયેલું હોવું જોઇએ નહી.

(૧3)   સવિર્સ રેકર્ડ :-

દળના દરેક સભ્યોનો સવિર્સ રેકર્ડ ફોર્મ (ઘ) માં રાખવો.

(૧૪)   રાજીનામું આપવા બાબત. :-

દળનો કોઇ સભ્ય દળ છોડી જવા માંગતો હોય તેણે તેનું રાજીનામું, લેખિતમાં તેના તરતના ઉપરી અધિકારીને ઓછામાં ઓછી બે અઠવાડીયાની નોટીસ આપી સાદર કરવું.

 (૧૫)  નુકસાનની વસૂલાત :-

દળનો કોઇ સભ્ય નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ  આકારેલ ગણવેશનો ખર્ચ આપે અથવા દુરુપયોગ અથવા બેદરકારીથી સરકારને થયેલ કોઇ આથિર્ક નુકશાન ભરપાઇ ન કરે તો ગણવેશનો ખર્ચ અથવા નુકસાનની રકમ તેની પાસેથી વસૂલ કરી શકાશે.

(૧૬)   વિનિયમો, વગેરેનું ઉલ્લંધન થતું અટકાવવા સત્તા ધરાવતા અધિકારીઓની સત્તા :-

સત્તા ધરાવતા અધિકારી, આ વિનિયમો અથવા તે હેઠળ કરેલા કોઇ હુકમનું ઉલ્લંધન થતું અટકાવવા માટે અથવા સત્તાધિકારીના અભિપાય મુજબ તેનું પાલન નિશ્ર્વતિ કરવા મટે વાજબી રીતે જરૂરી હોય એવાં પગલાં લઇ શકાશે અને એવા બળનો ઉપયોગ કરી શકશે અથવા ઉપયોગ કરાવી શકશે.

 

 

નાગરિક સંરક્ષણ

નમૂનો  ‘ક’

(જુઓ વિનિયમ  ૪(૧))

 

નાગરિક સંરક્ષણ સેવાના સભ્ય તરીકે નામ નોંધાવવા માટેની અરજી

૧. પુરેપુરૂ નામ (મોટા અક્ષરોમાં):

૨. પિતાનું /પતિનું નામ:

૩. જન્મ તારીખ:

૪. રાષ્ટ્રીયતા:

૫. કાયમી સરનામું:

૬. ધંધો અને હાલનું સરનામું:

૭. હાલના નિયુક્તાનું નામ અને સરનામું:

૮.  શૈક્ષણિક લાયકાતો:

૯.  મોબાઇલ નંબર:

૧૦. આધારકાર્ડ નંબર:

૧૧. બેંકનું નામ તથા એકાઉન્ટ નંબર:

૧૨. (વાંચતા/લખતાં/બોલતાં) આવડતી ભાષા:

૧૩. તમે નીચેનામાંથી કોઇના સભ્યો છો?

    (૧) સંરક્ષણ દળ (સેવા/નૌકા/હવાઇદળ) અથવા તેઓએ અનામત રાખેલા કોઇ દળના,

    (૨) પ્રાદેશિક સેના અથવા સંરક્ષણ સેવાના બીજા કોઇ સહાયક દળના,

    (૩) બીજા નૌકા સેના અથવા હવાઇદળના કાયદાને આધિન રીતે “છુટક નોકરો” સિવાયના સંઘના સશસ્ત્ર દળોના સિવિલિયન કેડર,

    (૪) પોલીસ સેવા

    (૫) ફાયર સર્વિસ

૧૪. તમે અગાઉ નોકરીમાં હતાં? જો તમે હોય તો વિગતો આપો:

૧૫. નાગરિક સંરક્ષણ દળનો કયો વિભાગ તમે પસંદ કરો છો? જો તેમ હોય તો વિભાગ જણાવો:

૧૬. નાગરિક સંરક્ષણ દળનો કયો વિભાગ તમે પસંદ કરો છો? જો તેમ હોય તો , વિભાગ જણાવો:

૧૭. તમે પસંદ કરેલા વિભાગમાં નામ નોંધાવવા માટે તમારી પાસે કોઇ વિશિષ્ટ લાયકાતો છે? જો તેમ હોય તો, વિગત આપવી:

૧૮. ફરતી કતારો અથવા એમ્બ્યુલન્સ ગાડીઓમાં નોકરી માટેની પસંદગી કરતી વખતે, કટોકટી ઉપસ્થિત થાય તો તમે ભારતમાં કોઇપણ સ્થળે નોકરી કરવા તૈયાર છો?

૧૯. નાગરિક સંરક્ષણ ફરજ માટે તમે કેટલા કલાક અને અઠવાડીયાના કયા દિવસોએ મળી શકશો? (ફક્ત અંશકાલિક સ્વયંસેવકો માટે)

૨૦. તમારી પાસે કોઇ વાહન (સાયકલ, મોટરકાર, મોટર –સાયકલ વગેરે) છે?

૨૧. તમને પ્રાથમિક સારવાર/મોટર હાંકતા આવડે છે?

 

૨૨. અરજદારની સહી:

 

 

એકરારનામું

(૧)    મેં નાગરિક સંરક્ષણ વિનિયમો, ૧૯૬૮ વાંચ્યા છે.

(ર)     હું જાણું છું ત્યાં સુધી દળના સભ્ય તરીકે કાર્યક્ષમ સેવા બજાવવા માટે હું શારીરિક રીતે લાયક છું.

(૩)    જો મારી અરજી સ્વીકારવામાં આવે તો હું દળના પૂર્ણકાલિન/ અંશકાલિન સભ્ય તરીકે કામ કરવા એટલે કે યોગ્ય તાલીમ લેવા અને હું દળનો સભ્ય હોઉં ત્યાં સુધી કંઈ કટોકટી આવી પડે તે પ્રસંગે તેના સભ્ય તરીકેની મારી ફરજો બજાવવાને હું તૈયાર છું.

(૪)    હું ……………………………………………………………………………………

1.      સંબંધિત સત્તાધિકારીઓએ કાઢેલી સૂચનાઓ અને હુકમો અનુસાર નાગરિક સંરક્ષણ દળમાં મારી ફરજોનું પાલન કરવાની,

2.         દળનો સભ્ય બંધ થાઉં ત્યારે મને આપેલા ગણવેશની કોઈ વસ્તુ-બિલ્લો અથવા અંગત સરંજામ પરત કરવાની,

3.         દળના વિનિયમોનું પાલન કરવાની બાંયધરી આપુ છું

સ્થળઃ   .........................                                                                          

તારીખઃ .........................                                    .........................................

                                                                                                      અરજદારની સહી.

............................................................................................................................................                                                                      

યોગ્ય રીતે ભરેલો આ નમૂનો.......................................................................................ને સાદર કરવો જોઇએ.

નામ નોંધનાર સત્તાધિકારીનું નામ તથા સરનામુ....................................................................                

 

સતાવાર  ઉપયોગ માટે

દળના વડાની/સંબંધિત સ્ટાફ અધિકારીની ભલામણઃ- (દળ, વગેરે).................માં દાખલ કર્યા છે અને .................................................... (જગા નં. વગેરે) ને ફાળવેલ છે.

સહી - ...................................                                સહી - ...................................

હોદ્દો - ...................................                                હોદ્દો - ...................................

તારીખ - ...............................                                તારીખ - ...............................

        

નમૂનો ‘ખ’

શપથનો નમૂંનો

(જુઓ વિનિયમો ૫)

 

હું...................................................................................................... નો પુત્ર/ પુત્રી/ પત્ની સોગંદ લઉં છું/અંત:કરણપૂર્વેક પ્રતિજ્ઞા કરૂ છું કે ભારત પ્રત્યે અને કાયદાથી સ્થપાયેલી ભારતના સંવિધાન પ્રત્યે સાચી વફાદારી અને નિષ્ઠા ધરાવીશ અને મને સોંપેલી ફરજો હું વફાદારીપૂર્વક બજાવીશ. (તેથી ઇશ્વર મને મદદ કરો)

 

*****

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 12-08-2021